Monday, December 17, 2012

૧૦,૦૦૦ ફૂટ ઊંચો બ્રિજ બનાવી સ્વિત્ઝરલેંડે કમાલ કરી, તસવીરો



સ્વિત્ઝર્લેન્ડ, તા. ૧૭
હવામાં વાદળોની વચ્ચે ચાલવાનું આવે તો ખરેખર કેવી મજા આવે એવો ક્યારેય વિચાર આવ્યો છે, જો આવ્યો હોય તો આ વિચાર સાર્થક થયો છે. તમે ઇચ્છો તો આ શક્ય બની શકે છે,કારણ કે સ્વિત્ઝર્લેન્ડમાં આલ્પ્સ પર્વત પર ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ વોક-વે બ્રિજ બનાવાયો છે. આ બ્રિજ પર જઈને તમે દરિયાઈ સપાટીથી ૧૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ ચાલી શકશો અને ત્યાંથી નીચેની દુનિયાનાં સુંદર દૃશ્યો જોઈ શકશો. સ્વિત્ઝર્લેન્ડમાં આલ્પ્સ પર્વતમાળામાં ગ્લેસિયરની ઉપર લોકોને ચાલવા માટે ખાસ બ્રિજ બનાવવામાં આવ્યો છે. આ બ્રિજ બનાવનારાં લોકોનું કહેવું છે કે આ બ્રિજ દરિયાની સપાટીથી ૧૦,૦૦૦ ફૂટ ઊંચે બાંધવામાં આવ્યો છે, એટલું જ નહીં તેને લોકો માટે ખુલ્લો પણ મૂકી દેવામાં આવ્યો છે. ૧૯૧૩ જાન્યુઆરીમાં એન્ગલબર્ગ અને જેર્કનિઆલ્પને જોડતા કેબલ-વેની ૧૦૦મી વર્ષગાંઠ નિમિત્તે આ બ્રિજ બનાવવામાં આવ્યો છે.
આ બ્રિજ બનાવવા માટે એન્જિનિયરો સતત પાંચ મહિના સુધી અહીંયાં રહ્યા હતા. આલ્પ્સના તિતલિસ પર્વત પર બનાવેલો આ તિતલિસ ક્લિફ વોક સમુદ્રથી ૧૦,૦૦૦ ફૂટ ઉપર છે. આ બ્રિજનાં બાંધકામની વાત કરીએ તો બ્રિજનો ૩૩૦ ફૂટ લાંબો અને ૩ ફૂટ પહોળો એક ભાગ બનાવવા માટે એક મિલિયન યૂરો ખર્ચ થયો છે, હવે જો પુલની કુલ વિગતનો આંકડો માંડો તો અબજો યૂરોમાં તે આંકડો જાય, જો કે આ બ્રિજ લોકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો ત્યારે બરફનું તોફાન આવ્યું હતું. થોડા સમય માટે તો પુલ પર ઊભેલાં લોકોને દસ ફૂટ દૂરનું દૃશ્ય પણ દેખાતું નહોતું. લોકો ગભરાઈ ગયાં હતાં, જો કે થોડાક સમયમાં બધું જ શાંત થઈ ગયું હતું અને લોકોને રાહત થઈ હતી.